ભસી રહેલાં કૂતરાઓને માંસ આપો - જૂઓ તેઓ લડવાનું શરુ કરે છે કે, દારુડીયાઓને થોડુ ઠંડુ પીણું આપો - જૂઓ તેમના લથડિયાં ઓછાં થાય છે કે. કાગડાંઓને કયારેય ફૂલાવા ન દો - લોભી કાગડાઓથી દૂર રહો, પરંતુ પ્રેમીઓને પ્રેમ કરવા દો - ભલે કરે કોઈ શાંત સુરક્ષિાત સ્થળે. તમારે બીજ વાવવાં જ જોઈએ અને જો તમે વાવશો તો તે ઊગી નીકળશે... સરસ. હું આજ્ઞાંકિત બનીશ - મને માત્ર સ્વાતંત્ર્ય આપો! માંસના ટૂકડાઓ કૂતરાઓને અપાયાં પરંતુ - જુઓ! - કોઈ લડાઈ ન થઈ, દારુડિયાઓને વોડકા મળ્યો, પરંતુ એક બુંદ પણ ન પીવાયું. ચાડિયાઓ અપૂરતા નથી - પરંતુ કાગડાંઓને તેની પરવા નથી, પ્રેમીઓ જોડકામાં છે - પરંતુ તેઓ જુદાઈ ઈચ્છે છે. જમીનમાં બીજ રોપાયાં, પરંતુ - આ શું! - અંકુરો ફૂટયાં જ નહિ... મને ગઈકાલે સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું - પણ હવે હું એ સ્વાતંત્ર્યનું શું કરીશ?
બળવંતંત જાની. અનુવાદ, 2015